આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’ ની થીમ પર ઉજવણી કરાશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
મંત્રી શ્રી સંઘવીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની ઉજવણી સુરત ખાતે થશે, સવારે ૬.૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં અંદાજે દોઢ લાખથી વધુ લોકો સહભાગી થશે. મુખ્યમંત્રી શ્રી સવારે ૬.૩૦ કલાકે રાજ્યના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધશે જેનુ જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં કરાશે. દેશભરમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સવારે ૬.૪૦ કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે, જેનુ પણ જીવંત પ્રસારણ રાજયભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરાશે. આખું વિશ્વ વિશાળ જન ભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે ત્યારે ગુજરાતના સવા કરોડ નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થશે.રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં રાજ્યમંત્રી મંડળનાસભ્યો, સાંસદશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુદ્રઢ માર્ગદર્શન હેઠળ રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના ૩૩ જિલ્લાઓના જે ૭૫ સ્થળોની પસંદગી કરાઈ છે તેમાં ૧૦ જેટલાં ઐતિહાસિક સ્થળો, ૭ જેટલાં ધાર્મિક સ્થળો, ૧૭ જેટલાં પ્રવાસન સ્થળો, ૩૩ જેટલાં જિલ્લા અને મહાનગરપાલિકાના સ્થળો અને ૮ તાલુકા મથકોના સ્થળની પસંદગી કરવામાં આવી છે.
રાજ્યના દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, નગરપાલિકાઓ, મહાનગર પાલિકાઓની સાથોસાથ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આરોગ્ય કેન્દ્રો, પોલીસ હેડ ક્વાર્ટર, રાજ્યની જેલો તથા પોલીસ સ્ટેશનો સહિત તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે લોકોમાં યોગ અંગે જન જાગૃતિ કેળવાય એ આશયથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રા્જયભરમાં છેલ્લા છ માસથી યોગ અંગે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યભરમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ, જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા, ઝોન કક્ષાની યોગ સ્પર્ધા, અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધા, યોગોત્સવ -૨૦૨૩ કાર્યક્રમ, હર ઘર ધ્યાન, ઘર ઘર યોગ અંતર્ગત સમગ્ર રાજ્યમાં એક જ સમયે ૪૧ કાર્યક્રમો યોજાયાં હતાં. જેમાં મોટા પ્રમાણમાં નાગરિકો જોડાયા હતા. આ સ્પર્ધાના વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા પ્રશસ્તિપત્ર પણ એનાયત કરાયા હતા. આ ઉપરાંત જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ કોમન યોગ પ્રોટોકોલ માટે ૪૧ તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. તેમજ યોગ જાગૃતિ માટે દર શનિ-રવિ ૧૦૦થી વધુ વીકેન્ડ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાગૃતતા માટે કેટલા દિવસ બાકી છે તે દર્શાવતી ૧૧ ફુટ ઉંચાઇ ધરાવતી રિવર્સ ડિજિટલ કાઉન્ટ ડાઉન ઘડીયાળ રાજ્યના ૫૦ આઇકોનીક સ્થળો ઉપર મુકાઈ છે .જ્યારે બાળકોમાં નાનપણથી જ યોગ પ્રત્યે જાગૃતતા આવે તે માટે રાજ્યના ૧૦૦ જેટલા સ્થળો ઉપર દસ દિવસના ‘સમર યોગ કેમ્પ’નું આયોજન કરાયું હતું.
તેમણે ઉમેર્યું કે, ચાલુ વર્ષે વિશાળ જનભાગીદારી સાથે સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના માર્ગદર્શન માટે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપદે રાજ્ય સ્તરની સમિતિની રચના કરવામાં આવી છે. આ ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય, વોર્ડ, શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓ વગેરે તમામ કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો ભવ્ય રીતે અને સફળતાપૂર્વક યોજાય અને તેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાય તે હેતુથી મહાનગર પાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા કક્ષાએ વિવિધ સમિતિઓની રચના પણ કરી દેવાઈ છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી રાજ્યભરમાં ભવ્ય અને વિશાળ સંખ્યામાં થાય તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે જેમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ભારતીય સંસ્કૃતિ યોગનું મહત્વ વડાપ્રધાનશ્રીનું યોગને વૈશ્વિક ફલક પર લાવવા અંગેનું યોગદાન તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગેની માહિતી અપાશે, યોગની જાગૃતિ માટે પ્રભાત ફેરી, શૈક્ષણિક સમય દરમિયાન યોગ અંગેની ચિત્રકલા સ્પર્ધાનું આયોજન, BISAGના માધ્યમથી વિધાર્થીઓને કોમન યોગ પ્રોટોકોલની તાલીમ અપાશે.
એ જ રીતે પંચાયત વિભાગ દ્વારા મુખ્ય માર્ગો પર ગામના તમામ લોકો દ્વારા યોગ યાત્રા યોજીને એક જગ્યાએ સૌ ભેગા થઈ સંકલ્પ કરે તે માટેનું આયોજન કરાશે.જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા દરેક PHC/CHCમાં OPD સમયે યોગના મહત્વ અંગે માર્ગદર્શન અપાશે. આશા વર્કર્સ, આંગણવાડી બહેનો દ્વારા યોગ નિદર્શન કાર્યક્રમનું પણ આયોજન કરાશે. જ્યારે ગૃહ વિભાગ દ્વારા બાઈક રેલીના માધ્યમથી યોગ અંગેની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે રમત ગમત વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમારે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે રાજય સરકાર દ્વારા કરાયેલ આયોજનની વિસ્તૃત માહિતી પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.
દિલીપ ગજજર

error: Content is protected !!